આમ આદમી પાર્ટીમાં ગુજરાતની શરૂઆતથી જોડાયા બાદ AAP માં મહત્વના હોદ્દાઓ નો‌ ભાર સંભાળ્યા પછી તેમણે તાજેતરમાં કોંગ્રેસની પક્ષમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે જે બાબત ગંભીરતા પૂર્વક ચિંતન કરવા યોગ્ય છે જેનાથી નવી પેઢીના આદિવાસી આગેવાનોને ચોક્કસ દિશા મળી શકે.

શા માટે વિવિધ પક્ષો સાથે જોડાયેલા પછાત સમુદાયના આગેવાનો પક્ષ છોડવા મજબૂર થતાં હોય છે. આપ, ભાજપ, કોંગ્રેસ સાથે જોડાયેલા અસંખ્ય આગેવાનો સમય સાથે પક્ષ છોડતા રહેતાં હોય છે. કોઈના પક્ષ છોડવાથી કોઈ પક્ષ ખત્મ નથી થતો અને કોઈ પક્ષ ઊભરી નથી આવતો તે કડવી વાસ્તવિકતા છે પરંતુ આ વચ્ચે એક પછાત સમુદાય ના નેતાનું કદ વધતું ઓછું થાય ત્યારે ચિંતા થાય છે કે આપણે આવનારી પેઢીને શું દિશા આપી રહ્યા છીએ?

મુખ્ય પ્રવાહના રાજકારણ માં શાંત સ્વભાવે અને સતત પ્રયત્નશીલ રહ્યા હોય તેવા આગેવાનોમાં ના એક પ્રોફેસર અર્જુન રાઠવા જ્યારે કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા છે તે વેળાએ આંતરમન થી તેમના જીવનની ઉતરોતર પ્રગતિ માટે તેમને શુભેચ્છાઓ પાઠવવાનુ મન થાય‌ છે.

કોંગ્રેસ, ભાજપ, આપ દરેક મુખ્ય પ્રવાહની રાજકીય પક્ષો ની મર્યાદાઓ અને તે પક્ષોમાં પછાત સમુદાયોની કડવી વાસ્તવિકતા વચ્ચે તમારી રાજકીય નિષ્ઠાની નવી સફરમાં આપ આગળ વધી રહ્યા છો ત્યારે આદિવાસી વિસ્તારના નાગરિકો જે સદીઓથી આઝાદી બાદ આટલા વર્ષોમાં પણ સતત અન્યાય અને અત્યાચારનો ભોગ બનતા રહ્યા છે તેમનો અવાજ મજબૂત બનશે તેવી આશા કરું છું.

AAP આવી ઘટના થી શીખ મેળવી પછાત સમાજના સમુદાય અને રાજકારણ ને સમજવાનો પ્રયત્ન નહીં કરે તો તેનો સફાયો નક્કી છે અને કોંગ્રેસ ગેલમાં આવી ફરી નવા પ્રકારના અહંકાર માં રાચશે તો તેની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તે નક્કી છે. કારણ બંને પક્ષો થી ભાજપ ઘણી આગળ છે.

ભાજપમાં પણ પછાત સમુદાય ના રાજકીય આગેવાનો ની સ્થિતિ કોઈ વધુ સારી હોય તેમ નથી ફર્ક છે માત્ર આર્થિક સંસાધનો ઊપર નિયંત્રણ કરનારાઓનો આ પક્ષ પછાત સમુદાય ના રાજકીય આગેવાનો ને આર્થિક સહભાગિતા નો ભ્રમ આપી પોતે મજબૂત અને આગેવાનોને પક્ષ નિર્ભર બનાવી રહ્યા છે અને તેનાથી વિપરીત બીજા પક્ષો માં અપવાદ સિવાય પછાત સમુદાય ના આગેવાનો દરેક સ્તરે ચુસાઈ રહ્યા છે.

હવે સમય છે નવી પેઢીના આગેવાનો ની નવી હરોળ તૈયાર કરવાનો કારણે નવ યુગ તમારી નવ યુવાનોની તાકાત થી નવી રાજકીય પરિવર્તન ની દિશા નક્કી કરશે તે નક્કી છે.