નવસારી: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ નવસારીમાં કાર્યરત સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ઘન કચરાના કલેકશન માટે 11 ઇ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે. સદરહું 11 ઇ-રીક્ષાઓનું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરના વરદે હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું .
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગામોમાં સૂકો કચરો અને ભીંનો કચરો અલગ અલગ એકત્રિત કરવાના હેતુસર ફાળવેલ ઇ-રીક્ષાઓ ગણદેવી તાલુકામાં માણેકપોર, વાડી અને વેગામ ગ્રામ પંચાયતને, ચીખલી તાલુકામાં ફડવેલ, રાનવેરીકલ્લા અને આલીપોર ગ્રામ પંચાયતોને, વાંસદા તાલુકામાં ખાંટાઆંબા, બેડમાળ, અને કાવડેજ ગ્રામ પંચાયતને તેમજ જલાલપોર તાલુકામાં હાંસાપોર ગ્રામ પંચાયતને અને નવસારી તાલુકામાં પડઘા ગામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ઇ-રીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી દ્વારા ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા અને નિયામકશ્રી એમ.એસ.ગઢવી હતા. આ ઉપરાંત 11 ગામ પંચાયતના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.











