ધરમપુર: એવરેસ્ટ ક્લાઈમેટ એક્સન પુરસ્કારએ એક આંતરરાષ્ટ્રીય મંચ છે. જેનો મુખ્ય ઉદેશ્ય એવી વ્યક્તિ કે સંસ્થાઓ જેઓએ પર્યાવરણની જાળવણી ક્ષેત્રે નવીન અભિગમ અપનાવી અસરકારક કામ કરી અસાધારણ નેતૃત્વ પૂરું પાડનારને પ્રોત્સાહનની સાથે માન્યતા પ્રદાન કરવાનો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ અંડર ધ મેંગો ટ્રી સોસાયટી ભારતના ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નાના ખેડૂતોને સ્થાનિક મધમાખીઓ જોડે મધમાખી પાલન માટે પ્રોત્સાહિત કરી મધમાખીઓનો ઉછેર કરાવે છે. જે પર્યાવરણની જાળવણીમાં સારો એવો ભાગ ભજવે છે. આ કાર્યને બિરદાવી (UTMTS) સંસ્થાને આ ગૌરવંતો પુરસ્કાર ‘Everest climate Action Award 2023’ નેપાળના ઉપરાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી રામ સહાય પ્રસાદ યાદવના હસ્તે તારીખ 20 જુન 2023 ના રોજ નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે એનાયત કરવામાં આવ્યો.
આ પુરસ્કાર માટે ‘અંડર ધ મેંગો ટ્રી સોસાયટીની’ પસંદગી દક્ષિણ એશિયાના 100 થી વધુ આવેદન પત્રોમાંથી કરવામાં આવી છે. આ સંસ્થા આદિવાસી સમુદાયો તથા નાના ખેડૂતો સાથે સ્થાનિક મધમાખીઓનો ઉછેર કરાવી ખેડૂતોની આવકમાં વધારો કરાવે છે, અને પર્યાવરણની જાળવણી માટે નવનીતમ અભિગમ અપનાવી જળવાયુ પરિવર્તનને સંબોધવા તથા જાળવણીની પ્રતિબદ્ધતા ધરાવે છે.
આ કાર્યક્રમ ‘South Asia Climate Action Conference’ નું આયોજન નેપાળનુ રાષ્ટ્રીય યુવા સંસદ અને યુવા વિકાસ કેન્દ્ર તથા નેપાળ સરકારની Ministry Of Youth and Sports દ્વારા કાઠમંડુ ખાતે કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં UTMTS સંસ્થાના પ્રોગ્રામ મેનેજર શ્રી ધનશ્રી ચવાન દ્વારા સંસ્થાના કાર્યને લગતુ વ્યાખ્યાન આપ્યું હતુ. વ્યાખ્યાનનો વિષય “સ્થાનિક મધમાખીઓ જોડે મધમાખી પાલન અને નાના ખેડૂતો માટે જળવાયુ પરિવર્તન અનુકુળ વ્યૂહરચના” હતુ. જેમા ભારત,નેપાળ,શ્રીલંકા,પાકિસ્તાન,બાંગ્લાદેશ,અને માલદીવ જેવા દેશના પ્રતિનિધિઓ દ્વારા ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ‘અંડર ધ મેંગો ટ્રી સોસાયટી’ સારા ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે અને આ કાર્યને આગળ ધપાવવા પોતાની તત્પરતા દાખવે છે.











