વાંસદા: દેશ આઝાદી માટે અનેક શહીદોએ શહીદી વહોરી છે પણ આદિવાસી સમાજના ઉત્કર્ષ પોતાનું બલિદાન આપનાર મહાન ક્રાંતિવીર, સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના જનનાયક, લોકનેતા એટલે બિરસામુંડા. બિરસા મુંડા 9મી જૂન 1900ના દિવસે રહસ્યમય રીતે મૃત્યૃ થયું હતું.જેને લઈને આજે સમગ્ર ભારતમાં આદિવાસી વિસ્તારોમાં આજે બિરસામુંડાની પુણ્યતિથિ મનાવવામાં આવશે.
બિરસા મુંડાનો જન્મ ઝારખંડ રાજયમાં 15મી નવેમ્બર 1875માં રાંચીમાં થયો હતો. તેમની માતાનું નામ કર્મી તથા પિતાનું નામ સુગના મુંડા હતું. બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. જોકે પહેલાથી જ આદિવાસી સમાજની ચિંતા કરતાં બિરસા અંગ્રેજોએ કરેલા દમનથી વ્યાકુળ હતા. મુંડાએ પોતાના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળે તે માટે નેતૃત્વ પ્રદાન કર્યું. 1894માં છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ આ કપરા સમયમાં સેવાની ધુણી ધખાવી અને લોકોની ખૂબ સેવા કરી. સેવા યજ્ઞ અને અંગ્રેજોની ચુંગાલમાંથી આદિવાસીઓને મુક્ત કરાવવાની નેમ સાથે બિરસાએ આદિવાસી યુવાનોને સાથે રાખીને અંગ્રેજો સામે યુદ્ધ છેડયું હતું.
બિરસા મુંડાને 1895માં અંગ્રેજોએ બિરસા અને તેમના સાથીઓની ધરપકડ થઇ પણ બિરસાએ જગાવેલી અલખ લોકોમાં આંધી બની ગઈ હતી. દુષ્કાળ પિડીત જનતાની સેવાથી બિરસા હવે આદિવાસીઓના મસીહા બની ગયા હતા અને તેથી જ તેમને વિસ્તારના લોકો ધરતી બાબા તરીકે બોલાવતા અને પૂજતાં થયા. 1897થી 1900 દરમિયાન અંગ્રેજો અને બિરસા વચ્ચે અનેક લડાઇઓ થઈ. બિરસા અને તેમના સાથીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો. અંગ્રેજોની ગોળીઓ સામે બિરસાની સેનાના તીર કામઠા ભારે પડી રહ્યા હતા. 1898માં તાંગા નદીના કિનારે થયેલી લડાઈમાં અંગ્રેજ સેનાની હાર થઈ.પણ ચક્રધરપુરમાં બિરસાએ જાતે જ ધરપકડ વ્હોરી હતી અને કારાગારમાં 9મી જૂન 1900ના દિવસે રહસ્યમય રીતે મૃત્યૃ થયું હતું. આજે સામાન્ય પરિવારમાંથી આવતાં બિરસા હવે આદિવાસીઓના નાયક બની ગયા હતા.

