વલસાડ: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રિય મંત્રીશ્રી નીતિન ગડકરીએ ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રોફેલના ચેરમેન પદ્મભૂષણ રજજુ શ્રોફ અને તેમના પત્ની સાન્દ્રા શ્રોફની ઉપસ્થિતિમાં વાપી જીઆઈડીસી ખાતે વલસાડની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું હતું. સાથે સાથે મંત્રીશ્રી નીતિન ગડકરીએ યુનિવર્સિટીના એડમીનીસ્ટ્રેશન બિલ્ડિંગ જ્ઞાન આનંદ ભવનનું ભૂમિપૂજન/ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી નિતિન ગડકરીએ એજ્યુકેશના જ પાવર છે એમ જણાવતાં કહ્યું હતું કે, એજ્યુકેશનને વ્યક્તિની વેલ્થમાં કન્વર્ટ કરાય તો જ દેશનો સાચો વિકાસ શક્ય છે. ભારત દેશને એજ્યુકેશનના ખરા ઉપયોગ દ્વારા એનર્જી આયાત કરાતા દેશમાંથી એનર્જી નિકાસ કરતો દેશ બનાવવાનું આહવાન કર્યું હતું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વેસ્ટ નથી વેસ્ટમાંથી વેલ્થ ઊભી કરવાના કાર્યો કરવાના છે. આજે આપણા જીડીપી ગ્રોથમાં ખેતીથી માત્ર ૧૨ ટકા હિસ્સેદારી છે જેને વધારવાના દરેક પ્રયત્નો સરકાર કરી રહી છે. આજે ભારત પાસે સૌથી વધુ યુથ પાવર છે અને એના બળથી જ ભારત આવતા પાંચ વર્ષોમાં દુનિયાની સૌથી મોટી ઈકોનોમી બની જશે એવો વિશ્વાસ છે.
પ્રશિક્ષણ, રિસર્ચ અને ડેવેલોપમેન્ટ એ ભણતરના સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે અને આ યુનિવર્સીટી વિદ્યાર્થીઓને આ દરેક પરિબળોથી અવગત કરાવી આપણા ભવિષ્યની પેઠીના નિર્માણ માટે ખૂબ જ સારી કોશિષ કરી રહી છે. આ યુનિવર્સીટી વેલ્યુ બેઝ્ડ એજ્યુકેશન સિસ્ટમ અને વેલ્યુ બેઝ્ડ ફેમિલી સિસ્ટમ પ્રોવાઈડ કરશે એવી આશા અને વિશ્વાસ છે. એજ્યુકેશના જ આપણું ભવિષ્ય છે અને એના ઉપયોગથી જ ભારત સુપર ઈકોનોમીકલ પાવર બનશે. આ યુનિવર્સીટી સારા ભવિષ્યનું નિર્માણ કરશે એવી આશા સાથે દરેકને સહર્ષ શુભેચ્છાઓ પાઠવી અને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સીટી વિશ્વસ્તરે ખુબ આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વાપી ખાતે 1985માં સ્થપાયેલ રોફેલ ટ્રસ્ટના ઉપક્રમે વાપી પંથકમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે જે હવે સ્વનિર્ભર રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સીટીના અંતર્ગત કાર્યરત થશે. હાલમાં આ યુનિવર્સીટીમાં રોફેલ શ્રી જી.એમ. બિલખિયા કોલેજ ઓફ ફાર્મસી, જીઆઇડીસી રજ્જુ શ્રોફ કોલેજ રોફેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એમબીએ), જીઆઇડીસી રજ્જુ શ્રોફ કોલેજ રોફેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (બીબીએ) એન્ડ રોફેલ શ્રી જી.એમ. બિલખિયા કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સીઝ (બીસીએ) કોલેજ કાર્યરત છે. નવા શૈક્ષણિક સત્રથી યુનિવર્સીટી દ્વારા લો તેમજ બીએસસીના અભ્યાસક્રમનો સમાવેશ કરાશે.
આ પ્રસંગે સાંસદ ડૉ. કે. સી. પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, પદ્મશ્રી ગફુરભાઈ બિલાખીયા, ટ્રસ્ટના ટ્રાસ્ટ્રીઓ, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને સભ્યો, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરા શાહ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, યુનિવર્સિટીનાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

