નવસારી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.110 કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચનના આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણા રેગ્યુલેટર પ્રોજેક્ટથી નવસારી શહેર અને આસપાસના ૨૧ ગામોની જનતાને થનારા માતબર લાભ અંગે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, પ્રોજેક્ટથી ૧૮ કિમી લંબાઈનું વિશાળ જળાશય બનશે, જેમાં ૨૫૫૦ લાખ ઘન ફુટ મીઠા પાણીનો સંગ્રહ થશે. એટલું જ નહીં, આસપાસના ૨૧ ગામોની ૪૨૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે, સાથોસાથ અહીં મીઠા પાણીના વિશાળ સરોવર બનતા આસપાસની જમીનનું ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણા નદીનું જળ નવસારી જિલ્લાના વિકાસનું અમૃત્ત બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

CMના કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવસારી જિલ્લાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વિસ્તારની જનતાના વિશાળ હિતમાં આ પ્રોજેકટ હાથમાં લીધો છે અને સ્થાનિક જનતાની લાગણી અને માંગણીઓને વાચા આપી છે, જેનો લાભ મળતા લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે. આ ડેમ બનવાથી ૧૮ કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળશે. શ્રી પાટીલે કહ્યું કે, નવસારી જિલ્લામાં રૂ. ૭૦ હજાર કરોડના ખર્ચે સાકાર થનાર પી.એમ. મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના નવસારીની કાયાપલટ કરશે. વિકાસની નવી દિશા ખૂલતાં નવસારી જિલ્લાના યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા થશે.