નસવાડી: નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થયાના 12 વર્ષ થી પણ વઘુ સમય થઈ ગયો છે, પરંતુ સરકાર અને વહીવટી તંત્રને આદિવાસી બાળકો માટે બિલ્ડીંગ બનાવાવમાં રસ ન હોઇ એમ, આજ દિન સુધી માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવી નથી. જેના કારણે ગામમાં જ આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બે પાળીમાં આભાસ કરે છે, ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ સવારે 7 થી 10:30 સુધી અને 11 વાગ્યા પછી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરતા હોય છે અને પ્રાથમિક શાળામાં સવારની પાળી હોઇ ત્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બપોરની પાળીમાં અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે હાલ સ્થિતિ એવી થઈ છે કે, પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ચાલે છે, જેના કારણે ઉચ્ચતર માધ્યમિક ના વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા છે.

એક તરફ સરકાર દાવા કરે છે કે, આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી આદિવાસી બાળકો માટે અધતન સુવિધા ધરાવતી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત થાય છે. એક તરફ સરકાર જ્ઞાન શક્તિ, સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ, જ્ઞાન સેતુ જેવી શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવી નવી શાળાઓ બનાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં 12 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, આજદિન સુધી શાળાનું મકાન બન્યું નથી. જેનાં કારણે આદિવાસી વિસ્તારમાં બાળકો આજે પણ ભાડાના મકાનમાં અભ્યાસ કરવા અને પરીક્ષા આપવા મજબૂર બન્યા છે.

ત્યારે સવાલ થાય છે…. સરકારને કેમ નથી આદિવાસી વિસ્તારમાં શાળાના બિલ્ડિંગ બાંધવામાં રસ…?