વાંસદા: ગુજરાત સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફળાઉ રોપા વિતરણ યોજના અમલમાં મુકાઇ જેની ગ્રાન્ટ ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ગાંધીનગર દ્વારા થરાદ સ્થિત જનજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવી હતી જેમાં ગુંઠા દીઠ ખેડૂતોને આંબા કલમનું વિતરણ ન થયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

Decision News મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ,નવસારી અને વલસાડમાં થરાદની એજન્સીને વર્ષ 2019-20, 2020-21, 2021-22 2022-23માં આ કામગીરી માટે લગભગ 7 કરોડ જેટલી રકમની મંજૂરી આપવામાં આવી હતી પણ વાંસદા તાલુકામાં એજન્સીએ કામગીરી કરી નહીં હોવાની દરેક ગામોના લાભાર્થીઓ અને સરપંચો બુમ પાડી રહ્યા છે. એજન્સીએ માત્ર કાગળ પર કામગીરી કરી વાંસદા પ્રાયોજના દ્વારા એજન્સીએ સારી કામગીરી કરી હોવાનો રિપોર્ટ આપી નાણાં ચૂકવી દીધા હોવાનું સામે આવ્યું છે. આટલું મોટું કૌભાંડ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ? આખરે તંત્ર કોને બચાવાનો પ્રયાસ કરી રહી છે. 

આ મામલામાં લોકનેતા અનંત પટેલે જણાવે છે કે આદિવાસી વિસ્તારના લોકોને મળવાપાત્ર કલમો મળી નથી. સરકારી સહાય અને સરકારી નાણાંનો દુરુપયોગ કરી એજન્સી તથા જવાબદાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. વાંસદા પ્રાયોજના અધિકારી અને જન જાગૃતિ એજ્યુકેસશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામની એજન્સીની વિરુદ્ધ તપાસ કરી કાયદેસરના પગલાં ભરવા જોઈએ. જો આવનારા દિવસોમાં આ મામલામાં યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો આદિવાસી આગેવાનો સાથે ખેડૂતમિત્રો વાંસદા પ્રાયોજના વહીવટદારની ઓફિસે ધરણાં કરી વિરોધ કરશે.