ધરમપુર: આજકાલ આદિવાસી યુવતીઓના ગુમ થયાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના ભેંસધરા ગામમાં નિશાળ ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ કાળધુભાઈ સવરાની 22 વર્ષીય દીકરી પાયલના ગુમ થયાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી વિગતો મુજબ 21 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 10:00 કલાકે ઘરેથી હું કરંજવેરી કોલેજમાં જાઉં છું કહીને નીકળેલી દીકરી સાંજે ઘરે પરત ફરી ન હતી જેને લઈને માતા પિતા દ્વારા કોલેજમાં તેની શોધખોળ કરવા કરાઈ તો જાણવા મળ્યું કે તે તો કોલેજમાં આવી જ ન હતી. આ વાત જાણી પરિવારના જાણે માથા પર આભ તૂટી પાડયાની સ્થિતિ સર્જાય હતી.
હાલમાં પિતા રાજેશભાઈએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયા હોવા અંગેની ફરિયાદ લખાવી છે. આ ફરિયાદ અનુસાર પાયલ શરીરે પાતળો બાંધો, ઘઉં વર્ણ અને 4 ફૂટ 5 ઇંચ ઊંચાઈ છે. પાયલ લીલા કલરનો કુરતો, ગાજરીયા કલરની લેંગીસ અને બ્લુ કલરનો દુપટ્ટો અને સેન્ડલ પહેરી ઘરેથી કોલેજ જવા નીકળી હતી. ધરમપુર પોલીસ દ્વારા પાયલની તપાસ શરુ કરી દેવામાં આવી છે.











