વલસાડ : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી 29 થી તા.31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણને કારણે મોટેભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ખેડૂતોને કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ/કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી/કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.