વલસાડ: હવામાન વિભાગ દ્વારા વલસાડ જીલ્લામાં આગામી તા.14 માર્ચ 2023 થી તા.15 માર્ચ 2023 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવા અને રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તે માટે પગલા લેવા કહેવાયું છે.

14-15 માર્ચના બે દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં સંભવિત વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કૃષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્પાદિત પાકો, ખેતરમાં કાપણી કરેલી હોય અને ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિકના કાગળ કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવુ હિતાવહ છે.

ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો. શાકભાજી પાકો, કઠોળ અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કપરાડા તાલુકાના અંબેટી ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવેલા પગલાં લેવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.