ખેરગામ: છેલ્લા ઘણા સમયથી તાલુકાના પાણીખડક ગામ ખાતે આવેલ તંત્યા મામાં ભીલ સર્કલ પર હાઈફ્લડ લાઈટનો પોલ મુકાય ગયેલ હોવા છતાં તંત્ર દ્વારા લાઈટ ચાલુ નહીં કરવામાં આવતા રાહદારી અને આસપાસના ગામલોકોને ભારી હાલાકી અને ખેરગામ તાલુકાના 4 મુખ્ય સર્કલોની યોગ્ય જાળવણી કરવાની અને એ માટે યોગ્ય બજેટ ફાળવવાની માંગણી કરવામાં આવી હતી.

ખેરગામ તાલુકાના દરેક ગામોમાં લાયબ્રેરી હોવી જ જોઈએ જેથી કરીને યુવાનો યોગ્ય વાંચન કરી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે અને એના માટે તાલુકા પંચાયતનું બજેટ ફાળવવા માટે માંગણી કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી તાલુકાની ઘણી આંગણવાડીઓ અતિશય બિસ્માર આવેલ છે અથવા કોઈને કોઈ સમસ્યાઓથી ગ્રસ્ત છે. એ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.અને ખેરગામના ભસ્તા ફળીયા ખાતે પ્રાથમિક શાળામાં પાણીની ટાંકી મુકવાનો અંદાજિત ખર્ચો રૂપિયા 152847 જેટલો મસમોટો બતાવવામાં આવેલ હતો જે કોઈપણ હિસાબે શક્ય નથી, અને પંચાયત હેઠળના રસ્તાઓની ગુણવતા પણ ઘણી નબળી હોવાના આક્ષેપો સાથેની વિવિધ રજૂઆતો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી અને પ્રજાની મહેનતના રૂપિયામાં કોઈપણ ગોટાળો કર્યા વગર પ્રજાને જ મળવા જોઈએ એવી લાગણી વ્યક્ત કરી અને જો 15 દિવસમાં આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંતોષકારક પગલાં નહીં લેવામાં આવે તો પ્રજાના હિત માટે ગાંધી ચિંધ્યા માર્ગે જનઆંદોલન કરવાની ચીમકી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, ડો.કૃણાલ, ડો.નીરવ ગાયનેક, ધરમપુર અપક્ષ તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, ખેરગામ તાલુકા સદસ્ય રાજેશભાઈ, પાણીખડક માજી સરપંચ યોગેશભાઈ, કીર્તિભાઇ, મિન્ટેશભાઈ, દલપતભાઈ, ભાવિન, ભાવેશ, મંગુભાઇ, શીલાબેન, નીતાબેન, મનાલી, વંદનાબેન, જીગર, ઠાકોરભાઈ, ઈશ્વરભાઈ, આશિકા, મયુર, ભાવિન, જીતેન્દ્ર, કાર્તિક, ઉમેશ મોગરાવાડી સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.