સંયુક્ત રાજ્ય અમરિકા ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન માંથી કોને પોતાના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરે છે તે બહુ જલદી ખબર પડી જશે. મતગણતરી હાલ ચાલુ છે પરંતુ આ દરમિયાન એક શહેર એવું છે જ્યાંના મેયરની ખુબ ચર્ચા થઈ રહી છે. અહીં કેન્ટુકી પ્રાંતના રેબિટ હેશ શહેરમાં એક શ્વાન વિલ્બર બીસ્ટની મેયર તરીકે પસંદગી થઈ છે. વિલ્બર બીસ્ટ એક ફ્રેન્ચ બુલડોગ છે અને હવે મેયર પણ છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ બીસ્ટને ૧૩,૧૪૩ મત મળ્યા છે.
રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટીએ બુધવારે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, ‘રેબિટ હેશમાં મેયરની ચૂંટણી થઈ ગઈ છે. વિલ્બર બીસ્ટ એક અદભૂત મેયર છે જેને કુલ ૨૨,૯૮૫ મતોમાંથી ૧૩,૧૪૩ મત મળ્યા છે.’ સ્વસ્થ પ્રતિસ્પર્ધામાં જ લોકતંત્રની ભાવના નિહિત છે. વિલ્બર બીસ્ટે ગોલ્ડન રેટ્રિવર જેક રેબિટ, બીગલ અને પોપી વિરુદ્ધ ચૂંટણી લડી. અહીં શહેરના એમ્બેસેડર ૧૨ વર્ષની બોર્ડર કોલી (શ્વાનની એક પ્રજાતિ) લેડી સ્ટોન રહેશે.
કેન્ટકી ડોટ કોમ મુજબ રેબિટ હેશ ઓહાયો નદીના કિનારે એક અનાધિકૃત સમુદાય છે અને અહીં ૧૯૯૦ બાદથી શ્વાનને મેયર તરીકે ચૂંટવામાં આવે છે. મતદાન પ્રક્રિયા માટે અહીંના સમુદાયના સભ્યો ચૂંટણી દરમિયાન હિસ્ટોરિકલ સોસાયટીને ૧ ડોલરનું દાન કરે છે. બિલ્બર મેયર તરીકે કાર્યભાર સંભાલ્યા બાદ આશા છે કે રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટી માટે ફંડ ભેગુ કરશે.