IPLની ૧૩મી સિઝનમાં પ્લે-ઑફનો સમય બહુ નજીક આવી ગયો છે. આવતીકાલની પ્રથમ પ્લે-ઑફ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦થી દુબઈમાં રમાશે અને એમાં પોઇન્ટ્સ-ટેબલની મોખરાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ તથા નંબર-ટૂ દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે.

 

    કાલે રમાનારી મેચમાં જે ટીમ જીતશે એ સીધી ૧૦ નવેમ્બરની ફાઇનલમાં પહોંચી જશે. શ્રેયસ ઐયરના સુકાનમાં દિલ્હી કેપિટલ્સે સોમવારે અહીં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરની ટીમને પોતાની અંતિમ લીગ મેચમાં ૬ વિકેટે હરાવી હતી. એ સાથે, દિલ્હીની ટીમ પોઇન્ટ્સ-ટેબલમાં બીજા સ્થાને રહી હતી અને બેન્ગલોરની ટીમ હારવા છતાં પ્લે-ઑફમાં પહોંચી ગઈ હતી. સોમવારે બેન્ગલોરે દેવદત્ત પડીક્કલના ૫૦ રનની મદદથી ૭ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. દિલ્હી વતી સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર એન્રિચ નોર્ટજેએ ત્રણ તેમ જ કેગિસો રબાડાએ બે વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમે અજિંક્ય રહાણેના ૬૦ રન અને શિખર ધવનના ૫૪ રનની મદદથી ૧૯ ઓવરમાં ૪ વિકેટે ૧૫૪ રન બનાવીને વિજય મેળવ્યો હતો. નોર્ટ જેને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો. હવે કાલે જોવાનું દિલચસ્પ રહેશે કે કઈ ટીમ કેવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે અને કેવા નિર્ણયો લઇ પોતાની ટીમની જીત નક્કી કરશે.