ધરમપુર: ગતરોજ ધરમપુરની ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મરાયાની વાલીઓને ખબર પડતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર દોડી ગયા હતા. શાળાને તાળાબંધી કરી શાળાના મુખ્ય શિક્ષકને બદલવાની માગ કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સર્વોદય આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓ ખડકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આજે વિદ્યાર્થીઓ શાળાની પ્રાર્થનામાં મોડા પહોંચતા મુખ્ય શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે વલસાડના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તેઓને આ મામલે ટેલિફોનિક ફરિયાદ મળી છે. ફરિયાદ મળ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે બે અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.