માંડવી: દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો માહોલ જામી ચુક્યો છે ત્યારે તલના લાડુ ખવાશે તેમાં ગોળ બનાવતાં કોલાઓમાં મજુરી કરતાં મજુરોનાની કામગીરીમાં કોલા માલિકો કેવી બેદરકારી રાખે છે અને તેઓ દરરોજ મોતના જોખમ નીચે કામ કરતા હોય છે તેના કિસ્સાઓ સામે આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ તાજેતરમાં જ અરેઠ વિસ્તારના કોલા પર કામ કરતો યુવક દાઝી ગયો હતો જે હાલ ગંભીર છે. હાલમાં ધમધમતાં ગોળના કોલામાં કામ કરતાં મજૂરોની સુરક્ષા અને સલામતી માટે કોલાના માલિકો દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં ન આવતાં મજુરોના માથે મોત નું જોખમ તોળાઈ રહ્યું છે એવા દ્રશ્યો જોવા મળે છે. ગોળના માલિકો પ્લાસ્ટિક વેસ્ટ કે અન્ય કચરાને ઈંધણ તરીકે ઉપયોગ લે છે જેના કારણે હવાને પણ પ્રદૂષિત થઇ રહી છે. ખેડૂતોને શેરડીના ઓછા ભાવ આપી શોષણ કરતાં અને ગોળના કોલા પર કામ કરતાં મજુરોની જિંદગી સાથે સુરક્ષા અને સલામતી ન આપી ખિલવાડ કરતાં માલિકો સામે કોઈ અવાજ ઉઠાવતું નથી જેને લઈને સ્થાનિક સ્તરે આદિવાસી યુવાઓ આક્રોશ ઉઠયો છે.

માંડવીની જેમ જ વ્યારા- ચીખલી- વાંસદા- ધરમપુર- ડાંગ અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં ચાલતા એકાદ બે કોલાને છોડી મોટાભાગના ગોળના કોલા પર ખાસ કરીને શેરડીમાંથી રસ કાઢવાના મશીન નજીક સુરક્ષાનો અભાવ જોવા મળે છે. ત્યારે તંત્ર આવી કોલા માલિકોની લાપરવાહી પ્રત્યે કડક પગલાં ભરે તે જરૂરી છે. હવે જોવું એ રહ્યું કે આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ ! કે પછી કોઈ મજૂર જીવ ગુમાવશે પછી જ તંત્ર કડક પગલાં ભરશે.