નર્મદા: આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ને લાગતી યોગ્ય સુવિધા આઝાદીના વર્ષો બાદ પણ ઉપલબ્ધ થઈ શકતી નથી તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોક્ટરો સમાજનું ઋણ ચૂકવવા માટે પહાડી અને ડુંગર થી ઘેરાયેલા એવા આદિવાસી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા માટે મદદરૂપ બનતાં હોય એમ સાગબારા તાલુકાના નવીફળી ગામે ” નોવી ગોઠ” લાઇબ્રેરી અને કલા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે.
આજના યુગમાં યુવા ધન જ્યારે હાલના સમયમાં પોતાના જીવનને વ્યસન, મોબાઈલની લત, નાચ ગાન અને ગાડીના સોખ પાછળ પોતાનો કીમતી સમય વેડફી રહ્યા છે. જેના દ્વારા સમાજ અને નાના બાળકો માનસ ઉપર ખરાબ અસર થઈ રહી છે અને ઘણા બાળકો હોશિયાર અને મહેનતુઓ તો હોય છે પણ તેઓને વાંચવા માટે પુસ્તકો કે શાંતિથી વાંચવાના સ્થળનો અભાવ હોય છે. આદિવાસી સમાજના ઘણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે તલાટી, પોલીસ, ક્લાર્ક, જી.પી.એસ.સી, યુ.પી.એસ.સી વગેરે પરીક્ષા આપવા માંગતા હોય છે પણ હાલમાં આ મોંઘવારીમાં તેઓ આ પરીક્ષા માટે મોંઘા પુસ્તકો વેચાતા લેવા માટે અસક્ષમ કે પૈસા હોતા નથી. તેવા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ વિદ્યાર્થીઓની તકલીફ દૂર થાય તે માટે ઘણા સેવાભાવી વ્યક્તિઓ તથા સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. અશ્વિન વસાવા અને ઓર્થોપેડિક વિભાગના ડો. નીતિન ચૌધરી સાથે મળીને કાર્ય કરી મદદરૂપ થઈ રહ્યા છે.
ગુરુવારે રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવીફળિ (અમિયાર) ખાતે નોવી ગોઠ વાંચનાલય અને કલા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે સમયે ડો. જીતેન્દ્રભાઈ વસાવા ડો. અશ્વિન વસાવા, ડો. નિતીન ચૌધરી, રણજીતભાઈ વસાવા, રાલીબેન રજવાડી તથા ગામમાં અભ્યાસ કરતા બાળકો, ગ્રામીજનો હાજર રહ્યા હતા.

