ખેરગામ: ગતરોજ ગણદેવી વિધાનસભા બેઠક ક્ષેત્રમાં નાંધઇ ગામના મતદાન મથકમાં કોંગ્રેસ અને આપના એજન્ટો અને કર્મચારી વચ્ચે મોકપોલ માટે થયેલા વિવાદ સામે આવ્યો હતો આ ઘટના મામલામાં મતદાન મથક પર વાતાવરણ તંગ બન્યું હતું.

દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર ખેરગામ PSI જયદીપસિંહ ચાવડાએ કહ્યું કે સવારે શરૂઆતમાં મોકપોલ થયું ત્યારથી મનદુઃખ હશે એટલે કોંગ્રેસના મતદાન એજન્ટ વિરોધ કરતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર નરેશભાઈ પણ ત્યાં આવ્યા હતા. અમને જાણ થતાં જ ત્યાં પહોંચી ભેગા થયેલા લોકોને મતદાન મથક બહાર લઈ જઈ શાંતિથી મતદાન કરાવવા અપીલ કરી હતી.

નાંધઇ ગામના કોંગ્રેસના બુથ એજન્ટ સુભાષભાઈ પટેલ જણાવે છે કે નાંધઇ ઇવીએમના મોકપોલ માટે અમે 50ની જગ્યાએ 45નું વોટિંગ કરી રિઝલ્ટ ચેક કરવા કહ્યું હતું પરંતુ સ્ટાફે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મોકપોલ થશે એવું કહી વોટિંગ કરવા દીધું ન હતું. મોકપોલ લોકોને ઇવીએમમાં વિશ્વાસ આવે એ માટે હોય છે. એટલા માટે અમે 50ના બદલે 45ના મતદાન માટે આગ્રહ રાખી તેનું રિઝલ્ટ શું આવે એ જોવા માંગતા હતા.