તિલકવાડા: આજથી કારતક સુદ ચૌદસ અને પુનમના 2 દિવસીય નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનો મેળો ભરાય છે. કોરોનામાં બે વર્ષથી મેળો તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે મેળાની ધૂમ જામી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અંદાજિત 5 લાખ કરતા પણ વધુ ભક્તો મોટી સંખ્યામાં આવશે એવી શક્યતા સેવાઈ રહી છે. મેળાને લઈ મંદિર ટ્રસ્ટ, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જુઓ વિડીયો..
તિલકવાડા તાલુકાના ભાદરવા અને કોયારી ગામ પાસે ટેકરી પર ભાથીજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે. ભાથીજી મહારાજમાં આદિવાસી સમાજથી લઈને અન્ય સમાજમાં અપાર શ્રદ્ધા હોય જ્યાં પૂનમ ભરવા પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દર વર્ષે કારતક સુદ ચૌદસ અને કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે અહીંયા મેળો ભરાતો હોય છે. ત્યારે આ વર્ષે આજથી બે દિવસ 7 અને 8 નવેમ્બર દરમિયાન મેળો યોજાવાનો હોય ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આજે 7 તારીખે રાત્રે અને 8 તારીખ દિવસના હજારોની સંખ્યામા ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને પોતાની માનતા પુરી કરે છે.
આપને જણાવી દઇએ કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો પગપાળા સંઘ લઈને આવતા હોય છે. કાપડ, કાગળ અને વાસ બાંધી બનાવેલા ઘોડા ઉપર સવાર થઈને તબડાક (એક પ્રકારનું ડ્રમ) લઈને તેઓ પગપાળા નૃત્ય કરતા આવતા હોય છે અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. ત્યારે વર્ષો બાદ બે વર્ષેથી કોરોનાના કારણે મેળો રદ રહ્યો હતો. ત્યારે આ વર્ષે મેળો યોજાયો છે, શ્રદ્ધાળુઓ ભાથીજી મહારાજના દર્શન કરી મેળાની મજા માણી રહ્યા છે.

