રિસર્ચ રિપોર્ટ: હાલમાં જ બ્રિટનના વિજ્ઞાનીઓએ બે વોલન્ટીયરને લેબોરેટરીમાં તૈયાર થયેલું બ્લડ આપ્યું છે, જે આ પ્રકારની વિશ્વની સર્વપ્રથમ ક્લિનીકલ ટ્રાયલ છે. એકેયને કોઇ આડઅસર કે તકલીફ જણાઇ નથી. બંને હેલ્ધી અને સારી હાલતમાં છે.

દર્દીને આ રીતે કૃત્રિમ બ્લડ આપવું સુરક્ષિત અને અસરકારક સાબિત થશે તો સિકલ સેલ અને રૅર બ્લડ ટાઇપ સહિત બ્લડ ડિસઓર્ડર સાથેના દર્દીઓની સારવારમાં ક્રાંતિ સર્જાઇ શકે તેમ હોવાનું સંશોધકોનું કહેવું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો સહિતની ટીમે જણાવ્યું કે બે તંદુરસ્ત વોલન્ટીયરને અપાયેલું કૃત્રિમ બ્લડ ડોનર્સના સ્ટેમસેલ્સમાંથી તૈયાર કરાયું હતું. લેબોરેટરીમાં તૈયાર કરાયેલા રેડ બ્લડ સેલ (રક્તકોષો) બ્લડ ટ્રાન્સફ્યુઝનની ટ્રાયલના ભાગરૂપે કોઇ મનુષ્યને અપાયા હોય તેવું આ વિશ્વમાં સૌપ્રથમ વખત બન્યું છે.

ચીફ ઇન્વેસ્ટિગેટર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર સેડ્રિક ઘેવેર્ટે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે અમે લેબમાં તૈયાર કરેલા રેડ બ્લડ સેલ્સ રક્તદાતાઓના રક્તકોષો કરતાં વધારે સમય સુધી ટકશે. વિશ્વની આ સૌપ્રથમ ટ્રાયલ સફળ રહેશે તો હાલ જે દર્દીઓને થોડા થોડા સમયે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે છે તેમને ભવિષ્યમાં સાવ ઓછા ટ્રાન્સફ્યુઝનની જરૂર પડશે.