ખેરગામ: આધુનિકતા, ભૌતિકવાદ અને વ્યાપારીકરણની આંધળી દોડમાં આજે માનવમૂલ્યો ભુલાય રહ્યા છે. આજે માણસ માત્ર માણસ નહીં રહેતા રેસનો ઘોડ઼ો બની ગયો છે અને પૂર્વજોના ભવ્ય સાંસ્કૃતિક વારસા, તહેવારોનું મહત્વ ભૂલી રહ્યો છે. આવો જ એક તહેવાર એટલે દિવસો. ચોમાસાની ઋતુ આવે એટલે ધરતીપુત્ર આદિવાસીઓ અને ખેડૂતો માટે મહામૂલી ખુશીઓ લાવે. ધાન્યની વાવણી પૂરી થયાની ખુશીઓ અને થાક ઉતારવાનો તહેવાર એટલે દિવાસો, વેપારીઓ માટે આર્થિક ધનોપાર્જનનો તહેવાર એટલે દિવાસો, પરંપરાગત વાજાવાજીંત્રોને સથવારે નાચતા કુદતા સમગ્ર ગ્રામવાસીઓ દ્વારા ઢીંગલા-ઢીંગલીની પૂજા કરીને નદીમાં વહેવડાવવાનો તહેવાર એટલે દિવાસો..

જુઓ વિડીયો..

કાળક્રમે આ તહેવાર ભુલાતો ગયો. પરંતુ હાલ થોડા સમયથી ખેરગામના યુવાનો, વડીલો દ્વારા આદિવાસી સમાજમાં ચાલી રહેલા જનજાગૃતિના ભગીરથ પ્રયાસોના ફળસ્વરૂપે આ ભવ્ય સાંસ્કૃતિક વારસો ફરીથી જીવંત બન્યો. નાંધઈ, નારણપોર, ખેરગામના જયેશભાઇ, મુકેશભાઈ, રાજેશભાઈ, સુભાષભાઈ, અશોકભાઈ, દલપતભાઈ, પરેશભાઈ, કાંતિભાઈ, મનહરભાઈ, રીંકેશ, ભાવેશ, નટુભાઈ, હરિભાઈ, ભાવિન, પ્રવીણભાઈ, વિજયભાઈ સહિતના આગેવાનોએ અથાગ મહેનત કરી દરેક ફળિયાના એક ઘરે ઢીંગલા-ઢીંગલી બેસાડી કરી, સાંજે ઔરંગા નદી કિનારે વિસર્જન કરેલ અને બધા ગ્રામજનોએ ધાણી-પૌવાનો પ્રસાદ લીધો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે અમારા ખેરગામ તાલુકાના નાંધઈ, નારણપોર, પોમાપાળણા યુવાનો, વડીલો દ્વારા આપણા પૂર્વજો દ્વારા અપાયેલા ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે આ ખુબ જ સરાહનીય પ્રયાસ છે. આજના યુગમાં જયારે માનવમૂલ્યો સતત વિસરાય રહ્યા છે અને જયારે ભાઈ ભાઈઓ એકબીજાના દુશ્મન બની રહ્યા છે ત્યારે આવા તહેવારો લોકોની વ્યસ્ત અને ત્રસ્ત જિંદગીમાં ખુશીઓ અને સંપ લાવી ઓલવાય રહેલા દિવામાં તેલ પૂરવા જેવું કામ કરી રહ્યા છે. આજનો પ્રસંગ હજારોની જનમેદનીમાં એકપણ લડાઈ ઝગડાં વગર સંપન્ન થયો એ અમારા આદિવાસી સમાજની વધી રહેલી એકતાંની નિશાની છે. સૌને અપીલ કરું છું કે આવી જ રીતે દરેક જગ્યાએ આ તહેવાર ઉજવાય અને પ્રકૃતિના સંવર્ધનમાં લોકજાગૃતિ થકી સહયોગ મળી રહે. તેમજ આશા રાખું છું કે સામાજિક સંપથી દેશની અખંડિતતા, એકતા અને પ્રગતિમા આદિવાસી સમાજ આવનાર દિવસોમાં મહત્વનો ભાગ ભજવશે.