બુધવારે મુંબઈ ઈન્ડિયન્સએ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટથી હરાવી દીધું. આ જીતની સાથે જ મુંબઈની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી દીધું છે. મેચની છેલ્લી ક્ષણોમાં મુંબઈના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને આરસીબીના ખેલાડી ક્રિસ મોરિસ વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી. મેચ બાદ મનુ નાયરે આ બંનેને ફટકાર લગાવી છે.
ઘટનાની વાત કરીએ તો ક્રિસ મોરિસ અને હાર્દિક પંડ્યાની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. મેચની 15મી ઓવરમાં મોરિસે પોતાના સ્લોઅર અને યોર્કર લેન્થના બોલથી પંડ્યાને ઘણો પરેશાન કર્યો, પરંતુ ચોથા બોલ પર હાર્દિક પંડ્યાએ એક જોરદાર સિક્સર ફટકારી દીધી. 17મી ઓવરમાં ફરી એકવાર બંને સામસામે હતા. આ ઓવરમાં બાજી મોરિસે મારી. તેણે પહેલા પાંચ બોલ પર એક જ ફોર કે સિક્સર મારવાની તક ન આપી. ત્યારબાદ 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ચોથા બોલ પર સિક્સર મારી. પરંતુ બીજા બોલ પર મોરિસે હાર્દિક પંડ્યાને મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવી દીધો. ત્યારબાદ હાર્દિક પેવેલિયન પરત ફરવા દરમિયાન મોરિસ સાથે બોલાચાલી કરવા લાગ્યો. બંનેની વચ્ચે શાબ્કિક જંગ જોવા મળી હતી
મેચ બાદ રેફરીએ આ ઘટનાને લઈ નારાજગી વ્યક્ત કરતાં બંને ખેલાડીઓને ફટકાર લગાવી છે. ક્રિસ મોરિસે આઇપીએલના કોડ ઓફ કન્ડક્ટ 2.5ને તોડવાનો દોષી છે. જ્યારે હાર્દિક પંડ્યા કોડ ઓફ કન્ડક્ટ 2.20 તોડવાનો દોષી હતો.