ધરમપુર: બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા ગામડાઓમાં તેરા તહેવારની ઉમંગ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધરમપુરના હનમતમાળ ગામમાં પણ તેરા તહેવારની વડીલો મહિલાઓ અને યુવાનો સાથે સાથે બાળકોએ પણ ધામધુમથી ઉજવણી કરી હતી.

Decision News સાથે વાત કરતાં ગામના યુવાન સુનીલ માહલાનું કહેવું છે કે  તેરા તહેવારએ ચોમાસાની ઋતુમાં આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. આદિવાસી લોકોના મોટાભાગના તહેવારો પ્રકૃતિ સાથે  જોડાયેલા છે. તેરા પ્રસંગે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. આદિવાસીઓ વર્ષનો સૌથી પ્રથમ તહેવાર તેરાનો તહેવાર અને અખાત્રીજને વર્ષનો છેલ્લો તહેવાર માને છે. અખાત્રીજ પિત્રુ પુજન તથા ધાન્યની ખાતરી કરવા ઉજવે છે.

હનમતમાળના ગામના લોકોની માન્યતા મુજબ જોઈએ તો આળુના કંદને ફણગો થઈ પાન આવવામાં 15-20 દિવસ જેટલો લાગે છે. તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે. ઘણા આદિવાસી વિસ્તારોમાં ગ્રામજનો પોતાના યોગ્ય લગતા સમયે પણ તેરની ઉજવણી કરતા હોય છે. આ તહેવારની ઉજવણી મોટાભાગે ગામના વડીલો અને આગેવાનો નક્કી કરે છે.

રીત અને પરંપરાની વાત કરીએ તો  તેરમાં આદિવાસી લોકો પહેલા તો નવ અંકુરિત થયેલા આળુના પાંદડા લાવી પાંદડાને ઘર ઉપર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને બાફી ( રાંધી ) તેનુ શાક કે ભાજી બનાવામાં આવે છે, એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને પ્રસાદ રૂપે ધરાવાય છે અને પછી લોકો તેને ખાઈ છે. કેટલાક આદિવાસી લોકો અડદના કઠોળની વાવણી કાર્ય પછી જ તેરાનો તહેવાર ઉજવે છે. આ પરંપરા સાચવી હનમતમાળ ગામના લોકોએ ખરેખર આદિવાસીયતને જીવંત રાખી છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.