કપરાડા: એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોમાં વિકાસની બ્યુગલો ફૂકાતી જોવા મળે છે ત્યારે વલસાડના કપરાડા તાલુકાના દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલ ભુરવડ ગામમાં આજે પણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર માળખાકીય સુવિધા લોકો માટે ઉભી કરી શક્યું નથી.
ગામેગામ રસ્તા બની ગયાનું યશ લેતી આ સરકારની શાસનમાં આ ગામના વિદ્યાર્થીઓ હજુ પણ નદીમાંથી હોડીમાં જીવ ના જોખમે સામે પાર આવેલા ટુકવાડા ગામમાં અભ્યાસ કરવા જાય છે. અને ચોમાસામાં નદીમાં પૂર આવવાના કારણે વિદ્યાર્થીઓ માટે અનેક જોખમો ઉભા થાય જ છે પણ સાથે સાથે ડીલેવરી મહિલાઓને દૂધની કે ખાનવેલ હોસ્પિટલમાં લઈ જવા માટે ખુબ જ તકલીફ થાય છે આ ઉપરાંત આ વિસ્તારના લોકો બાઈક લઈને મજૂરી કરવા સેલવાસમાં જતા હોય છે. એવા સંજોગોમાં જવા અને આવવા 80 રૂપિયા દમણગંગા નદીમાં જ ખર્ચાઈ જતા હોય છે.
ગામના યુવાન ચૌધરી દિનેશભાઈ એસ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે દર વખતે સરકાર ચૂંટણી આવે ત્યારે પુલ બનાવી દેવાની બાંહેધરી આપવામાં આવે છે પણ એક વખત ચૂંટણી પતી ગયા બાદ તમે કોણ અને હું કોણ એવી સ્થિતિ થઈ જાય છે. જો સરકારશ્રી દ્વારા ટુકવાડા અને ભુરવડ વચ્ચે ઝુલતો પૂલની સુવિધા કરવામાં આવે તો ભુરવડ, માલુગી, ઘાણવેરી, તેરી ચીખલી આસલકાટી સુલીયા રોહિયાલ જંગલના લોકોની ઘણી મુશ્કેલીઓ દુર થાય એમ છે દમણગંગા નદી પર પૂલ બનાવવામાં આવે તેની 2015 થી લઈ 2022 સુધી રાહ જોય રહ્યા છે. પણ આજ સુધી આ વિસ્તારના આદિવાસી લોકો માટે કોઈ સુવિધા નથી.. તંત્ર ધૃતરાષ્ટ્ર બની બેઠું છે જો આનો કોઈ ઉકેલ થોડા સમયમાં ન આવે તો આ વખતે નેતાઓને ગામમાં ઘૂસવા ન દેવાનું ગામના લોકોએ નક્કી કર્યું છે.











