વલસાડ: ગતરોજ સમગ્ર રાજ્યના તબીબો દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ અંતર્ગત વલસાડ મેડિકલ એસોસિએશનના તબીબોની ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત રાખવામાં આવી હતી.

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ પ્રસંગે આશરે 2500 ની આસપાસ તબીબોએ ભાગ લીધો હતો. એમાં વલસાડ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો. ચિરાગ પટેલની આગેવાનીમા વલસાડના તબીબોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા તબીબોના વર્ષોજુના સલામતી અંગેના કાયદાઓ સહિત અનેક પડતરપ્રશ્નો બાબતે ચર્ચા કરી, જલ્દીથી સમસ્યાઓનું સમાધાન કરી આપવાની બાંહેધારી આપવામાં આવી.

વલસાડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયાને જણાવ્યું કે વ્યસ્ત કાર્યક્રમોના કારણે અમારે જવાનું શક્ય નહીં બનતા, મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં અમારાવતી ડો. ચિરાગ પટેલે આગેવાની લઇ મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સન્માન કરી એમને વલસાડના તમામ તબીબો તરફથી શુભકામનાઓ પાઠવી હતી, અને ડો. ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની મિટિંગ ઘણી સુંદર અને ફ્ળદાયી રહી હતી.