વલસાડ: ગતરોજ હવે હોઠો પે ગાંધી, દિલ મેં ગોડસે એવી સ્થિતિ ઊભી થઇ છે. આ શબ્દો હતાં વલસાડ ખાતે ગાંધી મ્યુઝિયમ જોવા આવેલા ગાંધીબાપુના પ્રપૌત્ર તુષાર ગાંધીના હતાં. વલસાડમાં જવાહરનગર સોસાયટીમાં રહેતા ગાંધીવાદી વિચારધારાને વરેલા ધનસુખભાઇ મિસ્ત્રીએ પોતાના ઘરમાં બનાવેલા અદ્ભુત ગાંધી મ્યુઝિયમને નિહાળવા આવ્યા હતા.

તુષાર ગાંધીએ વલસાડના ગોડસે કાંડ બાબતે જણાવ્યું કે, વલસાડની શાળામાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં મારો આદર્શ ગોડસે, વિષય રાખવામાં આવ્યો. તે બાબતે ગાંધીવાદી આગેવાનો, જાણીતા ગાંધીવાદી સંસ્થાઓ સહિત બાપુના ચુસ્ત અનુયાયી ગણાતા મહાનુભાવોએ કોઇ ટીકા નહીં કરી, જાહેરમાં આવીને આ ઘટનાને વખોડી પણ નહીં, તે યોગ્ય નથી.

વધુમાં ઉમેર્યું કે, બાપુ, ફક્ત રાજકીય લાભ માટેનું માધ્યમ રહી ગયા છે. આ વૃત્તિ પહેલાથી ચાલી રહી છે. હવે વધી ગયું છે. પહેલા બાપુની ભક્તિ ઓછી-વત્તી થતી હતી, પરંતુ ગોડસેની ભક્તિ થતી નહોતી. તેમણે તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ધર્મસંસદમાં બનેલી ઘટનાને ટાંકતાં જણાવ્યું કે, હવે નિર્લજ્જ થઇને ગોડસેની ભક્તિ કરવામાં આવી રહી છે. એ માટે કોઇ શરમ જેવું કંઇ રહ્યું નથી.

તુષારભાઇએ કહ્યું કે, પહેલા કહેવાતું કે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, હવે મતલબ કા નામ મહાત્મા ગાંધી થઇ ગયું છે. આજે નાનપણથી જ બાળકોમાં હિંસક વિચારધારાના બીજ રોપાઇ રહ્યા છે. આવનારા સમયમાં સંતાનો પોતાનાં માતા-પિતાને પણ ના કેમ કહી તેમ કહી મારી નાંખતા અચકાશે નહીં.