વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે 4 બાળક રસોઈ બનાવવાની રમત રમતાં હતાં. એમાં તેઓ નજીકથી ધતૂરાનાં ફળ લાવી એની શાકભાજી બનાવી રોટલા સાથે ખાઈ ગયાં હતાં. જેથી તેઓ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. બાળકોના વાલીઓએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડયા હતાં.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે વાપીની એક મહિલા તેના બાળક સાથે આવી હતી, જેમાં મહિલાનું બાળક અને અન્ય ત્રણ બાળકો ગઈકાલે સોમવારે બપોરે ઘર આગળ રમી રહ્યાં હતાં. રમતાં રમતાં બાળકો 3 ઈંટનો ઉપયોગ કરીને એના પર રસોઈ બનાવવાની રમત રમી રહ્યાં હતાં. એ દરમિયાન નજીકથી ધતૂરાનાં ફળ લાવી એનાં બી કાઢી એને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. ઉપરાંત ઘરમાંથી લાવેલા રોટલાઓ સાથે ધતૂરાનું શાક ખાઈ ગયા હતા. જમીને બાળકો રમતાં રમતાં બેભાન થઈ ગયાં હતાં.
પરિવારના સભ્યો બાળકોને બોલવા આવતાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી આજુ બાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધતૂરાનાં ફળનાં બી તેમજ એના ટુકડા મળી આવ્યા હતા, જેથી 4 બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે તેમને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં હતાં. હાલ ત્યાં બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતાં બાબત ચર્ચાનો વિષય બની હતી.