યુપી: વર્તમાન સમયમાં જોઈએ તો ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં દરરોજ નવા નવા સમીકરણો રચાઈ રહ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટી એ 10 નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું હોવાની જાહેરાત બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ કરી હતી

મિશ્રાએ કહ્યું કે બસપાને ઈન્ડિયા જનશક્તિ પાર્ટી, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી, વિશ્વ શાંતિ પાર્ટી, સંયુક્ત જનાદેશ પાર્ટી, આદર્શ સંગ્રામ પાર્ટી, અખંડ વિકાસ પાર્ટી, સર્વજન અવાજ પાર્ટી, આધી આબાદી પાર્ટી, જાગરુક જનકા પાર્ટી, સર્વજન સેવા પાર્ટીનું સમર્થન મળ્યું છે. બહેન માયાવતીજીના વિકાસશીલ વિચારોથી પ્રેરિત થઈને બહુજન સમાજ પાર્ટીને 10 રાજકીય પક્ષોએ પોતાનું સમર્થન આપ્યું છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયની વિચારધારા સાથે આગળ વધવા તેમજ કામ કરવાનો સંકલ્પ લીધો છે.

તેમનું વધુમાં કહેવું હતું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા બધાના સમર્થન તેમજ સહયોગથી બસપાને ઉર્જા તેમજ વેગ મળશે. આપણે સૌ પ્રજાના આર્શીવાદથી યુપીમાં પાંચમી વખત માયાવતીને મુખ્યમંત્રી બનાવીશું. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્વે નાના પક્ષો સાથે ગઠબંધનની રણનીતિ અમલમાં મૂકી રહ્યા છે.