મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૧૩ ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે. મુખ્યમંત્રી તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે ૧૩ અને ૧૪મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૧૩ અને મંગળવાર તા. ૧૪ ડિસેમ્બર એમ બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં સહભાગી થવા જઈ રહ્યા છે.
નોંધનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રૂ.339 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું ઉદ્દઘાટન કરશે. કાશી વિશ્વનાથ મંદિરને ગંગા નદી સાથે જોડતો અને ત્યાં સરળતાથી પહોંચી શકાય તેવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આ પવિત્ર કામગીરીનો પાયો નાંખવાની અને પ્રોજેક્ટનો પ્રારંભ કરવા માટે શિલારોપણ વિધિ પ્રધાનમંત્રીએ 8 માર્ચ, 2019ના રોજ કરી હતી. આ સાથે જ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કુલ 23 બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવશે.











