દેશનાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્નિ મધુલિકા રાવત, બ્રિગેડિયર એલ.એસ લીદ્દર તેમજ 10 અન્ય રક્ષાકર્મીઓના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જનરલ બિપિન રાવત અને તેમના પત્નિનાં પાર્થિવ દેહને આજે સવારે 11 કલાકે દિલ્હીનાં કામરાજ માર્ગ સ્થિત તેઓનાં અધિકારીક નિવાસસ્થાને લઈ જવામાં આવશે. જે ત્યારબાદ અંદાજે બપોરના 2.00 કલાકે પાર્થિવ દેહને ધોળાકુવાનાં બરાડ સ્મશાનઘાટ લઈ જવામાં આવશે. જ્યારે અંતિમ સંસ્કાર સાંજના 4 કલાકે કરવામાં આવશે.
ગઈકાલે એટેલ કે ગુરુવારના રોજ CDS બિપિન રાવત અને તેમના પત્નિ સહિત દૂર્ઘટનામાં શહીદ થયેલા 11 જવાનોનાં પાર્થિવ દેહને કોઈમ્બતુરથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને શ્રધ્ધાંજલિ અર્પિ હતી. પ્રધાનમંત્રીએ બિપિન રાવત સહિત તમામ જવાનોનાં પરિવારજનોને મળીને તેઓને સાંત્વનાં પાઠવી હતી. ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત આર્મી, એરફોર્સ અને નૌકાદળનાં પ્રમુખોએ પણ શ્રધ્ધાંજલિ આપી હતી.
બીજી તરફ ઈઝરાયલે પણ CDS બિપિન રાવતનાં નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઈઝરાયેલનાં પ્રધાનમંત્રી નેફ્તાલી બેનેટે કહ્યું હતું કે, CDS બિપિન રાવત એક સાચા લીડર અને ઈઝરાયેલનાં સારા મીત્ર હતા. ઈઝરાયેલનાં પ્રધાનમંત્રીએ હેલીકોપ્ટર દુર્ધટનામાં શહીદ તમામ જવાનો અંગે શોક વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત ભારતનાં સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે CDS બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત તેમજ હેલીકોપ્ટરમાં શહીદ થનારા 11 જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે પુરીના ગોલ્ડન બીચ પર સેન્ડ આર્ટ બનાવ્યું હતું. જેમાં પટનાયકે આ સેન્ડ આર્ટમાં જનરલ બિપિન રાવતને શ્રધ્ધાંજલિ એવું લખાણ લખ્યું હતું.

