ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટીમાં આવેલ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામના 11 સાયન્સમાં ભણતાં આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે શાળા શરુ થયાના પ્રથમ દિવસે સાપુતારાના તળેટી વિસ્તારમાં આવેલ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મૃતક વિદ્યાર્થી ગુંદયા ગામનો રહેવાસી છે અને સવારે જ તે ઘરેથી શાળામાં આવ્યો હતો. સવારે આઠેક વાગ્યાની આસપાસ તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે
16 વર્ષીય વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે હજુ સુધી કોઈ જાણકારી બહાર આવી નથી. પોલીસને જાણ કરવામાં આવતા એક ટુકડીએ પહોંચીને મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો તેમજ બાળકના પરિજનોને પણ જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે શાળાના સંચાલકોના નિવેદન નોંધવાની તપાસ શરૂ કરી છે તેમજ તેના મિત્રો અને પરિવાર પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે.











