આહવા: ડાંગ જિલ્લા રમત ગમત, યુવા, સેવા સાંસ્કૃતિક વિભાગની કચેરી દ્વારા આયોજિત શાળાકીય અન્ડર-19 ભાઈઓ તથા બહેનો વિભાગની અલગ અલગ રમતોમાં થયેલા આયોજન એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાનાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી હવે તેઓ રાજ્યકક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવ જ્યોત હાઇસ્કુલ સુબીર ખાતે રમાયેલ હેન્ડબોલની રમતમાં બહેનોની ટીમ પ્રથમ વિજેતા થઈ છે. જ્યારે ડાંગ જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધા એસ.ડી.વી.એમ. માલેગામ ખાતે રમાયેલ હતી. જેમાં પણ એકલવ્ય શાળાની બહેનોની ટીમ પ્રથમ વિજેતા થઈ છે. જ્યારે સાપુતારા ખાતે રમાયેલ અન્ડર-17 સુબ્રતો મુકરજી ફુટબોલ ભાઈઓની ટીમ પ્રથમ વિજેતા જાહેર થયેલ છે. તે ઉપરાંત ડાંગ જીલ્લાનાં એશિયન ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર સાપુતારા ખાતે રમાયેલ એથ્લેટીક્સ વિભાગની દોડ, કુદ, ફેંકમાં 400 મીટર દોડમાં પાયલ પવાર પ્રથમ, અંકુર ભોયે 100 મીટર દોડમાં પ્રથમ, મનીષ ચૌધરી બરછી ફેંકમાં પ્રથમ, રાહુલ ગાવીત ૫૦૦૦ મીટર જલદ ચાલમાં પ્રથમ, જ્યારે આશિષ જોપળે ૫૦૦૦ મીટર લાંબી દોડમાં પ્રથમ વિજેતા જાહેર થયેલ છે.
આ તમામ વિજેતાઓ રાજ્યકક્ષાએ પસંદગી પામતા શાળાના આચાર્યા તથા સ્ટાફ પરિવાર તરફથી, તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી. ભુસારા, જીલ્લા રમત ગમત અધિકારી વિરલભાઈ પટેલ, યુવા અધિકારી રાહુલભાઇ તડવી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

