દેશમાં જ્યા હવે તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે લોકો તહેવારોને લઇ ખુશ છે અને તૈયારીઓ પણ કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ વધતી મોંઘવારીને લઈને લોકો ચિંતિત પણ છે પેટ્રોલ-ડીઝલ બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. કોરોના મહામારીએ પહેલા જ સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે, ત્યારે હવે વધતી મોંઘવારી પડ્યા પર પાટું જેવી સાબિત થઇ રહી છે.

દરરોજ પેટ્રોલનાં ભાવ વધી રહ્યા છે, હવે તેલનાં ભાવ પણ સતત વધતા તહેવારો પર આનંદ ઉલ્લાસ કરવા માટે પણ સામાન્ય જનતાને વિચારવુ પડી રહ્યુ છે. આજે મોંઘવારીએ એક સામાન્ય માણસ કેવી રીતે તહેવાર ઉજવે તે સવાલ ઉભો કર્યો છે.

ગતરોજ આવેલા નવા ભાવનાં કારણે સીંગતેલનો ડબ્બો 2,530 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,430 રૂપિયાએ પહોંચ્યો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી.

નોંધનીય છે કે, તેલની કિમંતો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. કારણ કે સીંગતેલનાં ડબ્બાનો ભાવ ફરી 2450 થી 2530 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2430 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે.