દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ રાત ખડેપગે રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ જમ્મુ (ઑક્ટ્રોય)થી દાંડી (ગુજરાત) સુધીની ૧૯૯૩ કી.મી ની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. ગાંધી જયંતી, બીજી ઓક્ટોબરના રોજ આ સાયકલ યાત્રા દાંડી પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની આ સાયકલ યાત્રા આજે (૨૮ સપ્ટેમ્બરે) વડોદરા આવી પહોંચી હતી. આ સાયકલ યાત્રાનું શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશના સીમાડાઓ સાચવનારા આ જવાનો “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત એકતા,અખંડિતતા અને ફિટ ઇન્ડીયા,ક્લીન ઇન્ડિયા, ક્લીન વીલેજ , ગ્રીન વીલેજના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે સમાજમાં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચશે.

આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે,ત્યારે શહેરીજનો આ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી હતી.
જમ્મુથી શરુ થયેલી આ સાયકલ યાત્રા પંજાબ, રાજસ્થાન થઈને ગુજરાતમાં આવી પહોંચી છે. આ સાયકલ યાત્રીઓ રોજ આશરે ૯૦ કી.મી નું અંતર કાપે છે. વડોદરાથી આ સાયકલ યાત્રા ભરૂચ તરફ જવા રવાના થઈ હતી.