ગુલાબ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ત્રાટકશે તેવી આશંકા. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ આ અંગે સક્રિય બની છે. રવિવારે ‘ગુલાબ’ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ દરિયાકાંઠે પસાર થવાનું છે. આને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ત્રણ ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની એક ટીમ ઉત્તર તટીય આંધ્ર જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

શનિવારે એક સરકારે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 86,000 પરિવારોને વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમ જિલ્લાઓમાં રાહત શિબિરોમાં ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીકાકુલમમાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ સિવાય વિશાખાપટ્ટનમમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. એસ.ડી.આર.એફ ની એક ટીમ વિશાખાપટ્ટનમમાં કટોકટી માટે પણ તૈયાર રાખવામાં આવી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે આ જિલ્લાઓના માછીમારોને 27 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાનું કહ્યું છે.

આ વાવાઝોડું 29 સપ્ટેમ્બરે બંગાળ કિનારે પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગ (આઈએમડી) કહે છે કે, દક્ષિણ બંગાળમાં ભારે વરસાદ અને જોરદાર પવનની સ્થિતિમાં 28-29 સપ્ટેમ્બરે વધારે પવન ફૂંકાઇ શકે છે.

ભારતનાં પૂર્વ વિસ્તારમાં ગુલાબ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકે તેવી આશનક છે ત્યારે ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વર્તાશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનાં કારણે વાવાઝોડું આવી રહ્યું છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.