ધરમપુર: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્‍ત આદિવાસી સમાજ તથા શ્રી સદગુરુદેવ સ્‍વામી અખંડાનંદ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ, બરૂમાળ દ્વારા મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે મહત્‍વનો હોદ્દો સંભાળ્‍યા બાદ પહેલી વખત વલસાડ જિલ્લામાં આવેલા રાજ્‍યપાલ શ્રી મંગુભાઇ પટેલનો સન્‍માન સમારંભ ધરમપુર તાલુકાના બરૂમાળ સ્‍થિત ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.

માહિતી બ્‍યુરોથી મળેલી માહિતી મુજબ આ અવસરે મધ્‍યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજ્‍યપાલ બનવું એ મારા માટે ચમત્‍કાર સમાન છે. સન્‍માન કાર્યક્રમમાં સૌને મળવાનું થાય એ મહત્‍વની વાત છે. તમે બધા મારા છે, આ વિસ્‍તારમાં દરેક સ્‍થળોની મુલાકાત પણ લીધી છે, અનેક લોકોને હું ઓળખું છું, તેમ જણાવી સૌને નામ લઈને યાદ કર્યા હતાં. અહીંની પ્રજા ખૂબજ ભોળી છે અને ગરીબોનું કરેલું કામ કદી એળે જતું નથી તેમ જણાવી નબળા સમાજને ઉપયોગી બની મદદરૂપ બનવા તેમજ ગરીબ પ્રજાની સેવા આત્‍મીયતા દાખવી કરવા અનુરોધ કર્યો હતો. સારા સ્‍વાસ્‍થ માટે યોગ ખુબજ ઉપયોગી છે, જેમાં સમગ્ર વિશ્વને જોડવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યું છે. કોરોના સમયમાં પણ નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા પરિવારના દીકરાના ખબર અંતર પૂછવુ એ મોટી વાત છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. તથા ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમની શરૂઆત અને સમાપન રાષ્‍ટ્રગીતના ગાનથી કરાયું હતું. આ કાર્યક્રમમાં મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલશ્રી, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આદિવાસી સમાજ અગ્રણી શ્રી મંગુભાઇ પટેલના વલસાડ, નવસારી, ડાંગ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આયોજિત સંયુક્‍ત સન્‍માન સમારંભમાં સાંસદ ડો.કે.સી.પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાંવિત, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્‍ય નરેશભાઇ પટેલ, ડાંગ ધારાસભ્‍ય વિજયભાઇ, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા સહિત મહાનુભાવો, ગ્રામજનો હાજર રહયા હતા.