આગામી ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ પ્રસંગે જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભેટ મળશે. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થશે.
ત્યાર બાદ જીત નગરના પરેડ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. આ કાર્યક્રમની પૂર્વેની તૈયારીઓ અને કામગીરીનું સ્થળ નિરીક્ષણ વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપત સિંહ વસાવાએ કર્યું હતું. તેમણે સરકીટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમને સફળ બનાવવા સૂચનો કર્યા.
બેઠક કર્યા બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કાર્યરત “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થી પરિવારની મહિલાને મંત્રી ગણપત સિંહ વસાવાના હસ્તે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્નું વીતરણ કરવામાં આવ્યું હતું.

