સેલવાસ: ગતરોજ સંઘપ્રદેશમાં ફરવા આવેલા સુરતના વરાછાનું એક ગરબા ગ્રુપની બસ સેલવાસ-દુધની ફર્યા બાદ દુધનીથી પરત ફરતી વખતે દાનહના શેલ્ટી ગોરાટપાડામાં ઢાળ ચઢતી વખતે બસનું સ્ટિયરિંગ અચાનક લોક થઇ જતાં  બસ પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ સુરતના વરાછાના એક ગરબા ગ્રુપના કેટલાક યુવક-યુવતીઓ ગઈકાલે સેલવાસમાં બસથી ફરવા આવ્યા હતા. બપોરે અઢી વાગ્યાના સુમારે તેઓ G-J-14-X-1771 નંબરની બસમાં પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન શેલ્ટી ગોરાટપાડા નજીક બસનું સ્ટેયરિંગ લોક થઈ જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ રોડના કિનારે પલ્ટી મારી ગઇ હતી. બસમાં કુલ 56 લોકો સવાર હતા. જેમાંથી પિયુષ ચોવથિયા (ખોલવાડ- સુરત) નીતાલી જગદીશ પોલરા (મોટા વરાછા-સુરત), ભાવેશ વડોદરિયા (યોગી ચોક, સુરત), ખુશી સારગલીયા (કારગીલ ચોક- સુરત), કલાબેન ભાવિકભાઈ ડોંગા (યોગી ચોક-સુરત), કેવલ ભાલાળા (કારગીલ ચોક- સુરત), હાર્દિક પાનેલીયા (કારગિલ ચોક), હર્ષિતા ગુંદરિયા (કારગીલ ચોક), પ્રીતિ કાકડિયા (કારગિલ ચોક સુરત)ને નાની મોટી ઈજાઓ થઇ હતી જેમને ખાનવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢી 108થી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસમાં સવાર અન્ય લોકો બિલકુલ સુરક્ષિત હોવાથી તેઓ પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.