વાંસદા: આદિવાસી જનજીવન ઝલક આદિવાસીઓની પરંપરાગત ખોરાકમાં જોવા મળતી હોય છે આ પરંપરાગત આદિવાસી ખોરાકની વાત કરીએ તો નાગલીનો રોટલો, ઇડલી, ઢોકળા, ચોખાનો રોટલો, ઢેકડા, ટીમ્ડાની ભાજી, વાંસનું શાક -અથાણું , દાલ પાનીયા, લીલી મકાઈના વડા, મકાઇ કેળાના ભજીયા, અડદનું ભૂજિયું અને શુભ અશુભ પ્રસંગે ખવાતી ઘૂઘરી !
Decision News સાથે વાત કરતાં આદિવાસી સમાજના ગંગાબેન પાડવી કહે છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકો શુભ અશુભ પ્રસંગે ઘૂઘરી ખાય છે. આ ઘૂઘરી ચણા વાલ અડદ ચોળી વગેરેનું મિશ્રણ હોય છે. આ ઘૂઘરી બાફીને અથવા વઘારીને બનાવવામાં આવે છે. અને પરિવારના બધાજ સભ્યો સાથે બેસીને ખાતા-ખાતા વાતો કરી મજા લે છે.
તેઓ આ બાબતે વધુ માહિતી આપતા જણાવે છે કે આદિવાસી સમાજમાં ધાર્મિક કે અન્ય કોઈ સાંસ્કૃતિક પ્રંસગે તેને ખાખરા (પોળશ)ના પાનમાં જ ખાવામાં આવે છે. જો તેને લાલ મરચાની વાટેલી ચટણી સાથે ખાવામાં આવે તો એના સ્વાદનું શું કહેવું..