ગાંધીનગર: ગુજરાત પ્રદેશ આદિવાસી કોંગ્રેસ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી પડતર સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા અને તેના ઉકેલ માટે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ આદિવાસી કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ પારઘી દ્વારા આગામી તારીખ 21, 22 અને 23 ઓક્ટોબર દરમિયાન વિવિધ જિલ્લાઓમાં કારોબારી સમીક્ષા બેઠકોનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
બેઠકના મુખ્ય હેતુઓ અને નિર્દેશો: જિલ્લા અને તાલુકા કક્ષાએ વર્ષોથી અણઉકેલાયેલા સ્થાનિક પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. દરેક જિલ્લા પ્રમુખે પોતાના વિસ્તારના પ્રશ્નોની યાદી તૈયાર કરીને લાવવાની રહેશે. સ્થાનિક પ્રશ્નોના નિવારણ અર્થે જે-તે જિલ્લાના સમાહર્તા (કલેક્ટર) અથવા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. આદિવાસી સમાજની સમસ્યાઓ ઉજાગર કરવા માટે બેઠક બાદ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા આદિવાસી કોંગ્રેસના હોદ્દેદારો, કારોબારી સભ્યો ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, ભૂતપૂર્વ ધારાસભ્યો, ભૂતપૂર્વ સાંસદો અને પ્રદેશના આદિવાસી આગેવાનોને આ મિટિંગમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
સમીક્ષા બેઠકોનું કાર્યક્રમ પત્રક: 21 ઓક્ટોબર 2026: વલસાડ જિલ્લો: ધરમપુર ખાતે સવારે 10:00 કલાકે. નવસારી જિલ્લો: ચીખલી/ગણદેવી ખાતે બપોરે 2:00 કલાકે (રાત્રી રોકાણ: આહવા). 22 ઓક્ટોબર 2026: ડાંગ જિલ્લો: આહવા ખાતે સવારે 10:00 કલાકે. તાપી જિલ્લો: વ્યારા ખાતે બપોરે 2:00 કલાકે (રાત્રી રોકાણ: માંડવી). 23 ઓક્ટોબર 2026: સુરત જિલ્લો: માંડવી ખાતે સવારે 10:00 કલાકે. સુરત સિટી: સુરત/માંડવી ખાતે બપોરે 2:00 કલાકે. આગામી દિવસોમાં યોજાનારી આ બેઠકોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય ગરમાવો જોવા મળશે.











