ધરમપુર: ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામના મંદિર ફળિયામાં એક ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે. ઘરમાં અનાજ ભરવાની દેશી કોઠીમાંથી ખેતીનું ઓજાર કાઢવા ગયેલા એક આદિવાસી વૃદ્ધને શિકારની શોધમાં છુપાઈને બેસેલા ઝેરી નાગ કોબ્રા એ ડંખ માર્યો હતો. જોકે, હોસ્પિટલમાં તાત્કાલિક મળેલી યોગ્ય સારવાર અને વન્યજીવ બચાવ ટીમની સમયસૂચકતાના કારણે વૃદ્ધનો જીવ બચી ગયો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર, નાનીવહિયાળ ગામના મંદિર ફળિયામાં રહેતા છગનભાઈ રડકાભાઈ વારલી પોતાના ઘરમાં અનાજ મૂકવાની ગાય-ઢોરના છાણ અને માટીમાંથી બનાવેલી દેશી કોઠીમાં લુહાર પાસે ઘડાવેલું ધારિયું મૂકવા ગયા હતા. તે દરમિયાન ઉંદર જેવા શિકારની શોધમાં કોઠીમાં છુપાઈને બેસેલા અત્યંત ઝેરી ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા નાગે છગનભાઈના હાથની આંગળી પર ડંખ માર્યો હતો.

સાપના ડંખ બાદ છગનભાઈએ તુરંત પરિજનોને જાણ કરી હતી. પરિજનોએ કોઠીમાં તપાસ કરતા અંદર ઝેરી નાગ હોવાનું માલૂમ પડ્યું હતું. પરિવારજનોએ સહેજ પણ સમય બગાડ્યા વિના તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડ્યા હતા. જ્યાં તબિયત વધુ લથડતાં વધુ સારવાર અર્થે ધરમપુરની ‘શ્રી સાંઈનાથ હોસ્પિટલ’માં દાખલ કરવામાં આવ્યા હતા.

શ્રી સાંઈનાથ હોસ્પિટલના સર્પડંખના તજજ્ઞ ડોક્ટર ડી. સી. પટેલ (ડૉ. ધીરુભાઈ પટેલ) દ્વારા સમયસૂચકતા દાખવી દર્દીને તાત્કાલિક એન્ટિવેનોમનો ડોઝ આપી ગંભીર સચોટ સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબની કાળજીપૂર્વકની સારવારના કારણે છગનભાઈ વારલીની તબિયતમાં સુધારો આવ્યો છે અને હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે ‘વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ’ ના વાઈલ્ડલાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. તેમણે વનવિભાગને સ્નેક બાઈટ અંગે માહિતગાર કરી તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. કોઠીમાંથી અત્યંત સાવચેતીપૂર્વક ઝેરી નાગને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી, કુદરતી પર્યાવરણની સમતુલા જાળવવા માટે તેને ફરીથી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here