ધરમપુર: આજરોજ ધરમપુર વિસ્તારમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં માર્ગનો એક મોટો ભાગ ધસી પડ્યો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે.
ઘટનાની તાત્કાલિક સૂચના મળતાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ અને ગણેશભાઈ બીરારી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને માર્ગની વહેલી તકે મરામત કરવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તેમજ વાહનવ્યવહારને સુરક્ષિત રાખવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.
ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું કે, “જનતાની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.” તેમણે સૌ નાગરિકોને અપીલ કરી છે કે અનાવશ્યક મુસાફરી ટાળે અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું કડકાઈથી પાલન કરે. હાલમાં સુરક્ષા દૃષ્ટિએ માર્ગ પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદનું જોર ચાલુ રહેવાની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સતર્ક છે અને મરામતનું કામ ઝડપથી શરૂ કરવાની તૈયારીમાં છે.











