જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ જા ડાયરેક્ટર અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે.
આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારિત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. અનંત અંબાણીએ જણાવ્યું કે, “આપણે વિશ્વની શ્રેષ્ઠ, સૌથી ગતિશીલ, સૌથી અદ્યતન યુનિવર્સિટી બનાવીશું.” “ટીમ વનતારામાં અમે વારસો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે વન્યજીવનના વર્તમાન હેતુને પૂર્ણ કરશે જ, આ સાથે આવનારા 1000 વર્ષો સુધી દુનિયાની સેવા કરશે. આ યુનિવર્સિટી આગામી વર્ષોમાં વન્યજીવન ક્ષેત્ર માટે દંતકથાઓ બનાવવા જઈ રહી છે. અમે વિશ્વની શ્રેષ્ઠ, સૌથી ગતિશીલ, સૌથી અધતન યુનિવર્સિટી બનીશું. આ યુનિવર્સિટી પ્રકૃતિ માતાની સેવાની સાથે દુનિયામાં અનેક રોગોના નિરાકરણ માટે પણ ચાવીરૂપ બનશે, જે ફક્ત પ્રાણીઓને જ નહીં, પણ માનવોને પણ મદદ કરશે. આ યુનિવર્સિટી દર વર્ષે, ફક્ત ભારતને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ઉચ્ચ કક્ષાના પશુચિકિત્સકો આપશે. આપણે ફક્ત ભારતને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને વૈજ્ઞાનિકો આપીશું. આ યુનિવર્સિટી, માતા પ્રકૃતિ અને માતા પ્રકૃતિની રચનાઓનું રક્ષણ કરવા માટે સંશોધન પણ કરશે. જેમ હિન્દુ સંસ્કૃતિમાં, આપણે કહીએ છીએ કે, દરેક પ્રાણી એક હેતુ માટે આવ્યું છે. તે ભગવાનનું સર્જન છે. પ્રાણીઓ ભગવાનના છે, તેથી આપણે માતા પ્રકૃતિનું રક્ષણ કરવાની જરૂર છે અને આપણે પ્રકૃતિએ આપણને જે આપ્યું છે, તેનું રક્ષણ કરવા માટે અહીં છીએ.”
અનંત અંબાણીએ વધુમાં કહ્યું કે, “વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરિયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા “આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:” શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબદ્ધ છે.”
વનતારા યુનિવર્સિટીમાં શું હશે ખાસ..
આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંશિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશિયલાઇઝ્ડ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અધતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબા ગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે, તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબા ગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.











