સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડ અને ડૉ. જીતેન્દ્ર ડી. વસાવા ના માર્ગદર્શન હેઠળ એમ.એ. સેમેસ્ટર–4 ના વિદ્યાર્થીઓએ ટર્મ પેપરના ભાગરૂપે મહારાષ્ટ્ર રાજ્યના સાક્રી તાલુકામાં આવેલ બારીપાડા ગામમાં સહભાગી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આ અભ્યાસનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોમાં ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક પરિવર્તનના મોડેલને નજીકથી સમજવાનો હતો. ક્ષેત્રકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓએ ગામના ઈતિહાસ, જળ સંરક્ષણ, જંગલ વ્યવસ્થાપન, કૃષિ વિકાસ, શિક્ષણ અને સામાજિક માળખાના વિવિધ પાસાઓનું સુવ્યવસ્થિત અને સચોટ નિરીક્ષણ કર્યું હતું.

એક સમયે પાણીની તંગી, ગરીબી અને સ્થળાંતર જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરતું બારીપાડા ગામ આજે આત્મનિર્ભરતા અને પર્યાવરણમૈત્રી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની ઉભર્યું છે. વિદ્યાર્થીઓએ ગામના પ્રેરણાસ્તંભ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચૈત્રામ દેવચંદ પવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે ગામના વિકાસ માટે અપનાવવામાં આવેલા “જળ–જંગલ–જમીન–જનાવર–પશુધન” આધારિત મોડેલ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમના નેતૃત્વ હેઠળ ગ્રામજનો અને અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ ના સહયોગથી આશરે 1100 હેક્ટર વિસ્તારમાં જંગલનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓએ નોંધ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં ગામમાં 700થી વધુ ચેકડેમોના નિર્માણથી ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે, જેના પરિણામે ખેતીક્ષેત્રે ક્રાંતિ આવી છે અને હવે ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઈ રહ્યા છે. ઉપરાંત, જૈવિક ખેતી, બાયોગેસ અને સૌર ઊર્જા જેવી પદ્ધતિઓ દ્વારા ગામે સ્વચ્છ ઊર્જા અને પોષણક્ષમ આહારનું ટકાઉ મોડેલ ઊભું કર્યું છે.
સહભાગી નિરીક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓએ ગામની સામાજિક વ્યવસ્થા, શિક્ષણમાં શિસ્ત, મહિલાઓની સક્રિય ભાગીદારી તેમજ સ્વસહાય જૂથો દ્વારા આર્થિક સશક્તિકરણ જેવા મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું હતું. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે અમલમાં મૂકાયેલા કડક નિયમો અને “વનભાજી મહોત્સવ” જેવી પરંપરાગત પહેલોએ વિદ્યાર્થીઓને વિશેષ પ્રેરણા આપી હતી. આ મેદાની અભ્યાસ વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ પ્રાયોગિક અનુભવરૂપ સાબિત થયો છે, જેમાં તેઓએ ટકાઉ વિકાસના સિદ્ધાંતોને પ્રત્યક્ષ જીવનમાં અનુભવ્યા અને ઊંડાણપૂર્વક સમજ્યા.











