માંડવી-કીમ: આજરોજ માંડવી-કીમ હાઈવે પર ઝાબ વિસ્તારમાં તાજેતરમાં શરૂ કરાયેલા ટોલનાકા સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે અન્યાયી ટોલ વસૂલાતના વિરોધમાં વિશાળ સંખ્યામાં લોકો ટોલનાકા પર ઉમટી પડ્યા હતા અને રસ્તા પર બેસીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શનકારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો અને સ્થળ પર જ જનસભા યોજીને તીખા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે પોતાની જમીનો ગુમાવીને બનેલા આ હાઈવે પર હવે ટોલ ચૂકવવો પડે એ અન્યાય છે. રોજિંદા ખેતીકામ, અવરજવર અને બજાર જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા ખેડૂતો માટે આ ટોલ આર્થિક બોજ બની રહ્યો છે.

પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બનતાં થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. ટોલનાકા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રદર્શનકારીઓએ એકસ્વરે માંગ ઉઠાવી કે સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. સાથે જ ચેતવણી આપી કે જો તંત્ર વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે તો આ આંદોલનને વધુ ઉગ્ર રૂપ આપવામાં આવશે અને ચક્કાજામ જેવા તીવ્ર પગલાં લેવામાં આવશે.

હાલ આખા વિસ્તારમાં એક જ નારો ગુંજી રહ્યો છે – “અમારી જમીન, અમારો રસ્તો… તો ટોલ કેમ ?” આ ઘટના ગ્રામીણ વિસ્તારોમાં ટોલ વસૂલાત અને સ્થાનિકોના હિતો વચ્ચેના વિવાદને ફરી એકવાર ઉજાગર કરી રહી છે. તંત્ર તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here