નવીન: આજથી 143 વરસ પહેલાં બરાબર આજની જ તારીખે (14 માર્ચ-1883) કોમરેડ કાર્લ માર્ક્સે એમના સોફામાં બેઠાં-બેઠાં જ આખરી શ્વાસ લઈ સદાયને માટે એમની આંખો મીંચી દીધી હતી. 17 માર્ચના દીવસે સામ્યવાદના એ મહાન ફરીશ્તાને લંડનના હાઈગેટ કબ્રસ્તાનમાં એમનાં પત્ની જેની માર્ક્સની કબરની સોડમાં જ દફનાવવામાં આવ્યા હતા.
અહીં પ્રસ્તુત છે એમના પરમ મીત્ર અને આજીવન સાથીદાર કોમરેડ ફ્રેડરીક એન્ગલ્સએ મીત્રની દફનવીધી બાદ એમને આપેલી ટુંકી પણ ભાવભીની અને ઐતીહાસીક શ્રદ્ધાંજલી. આજે જગતનો એક મહાન વિચારક વિચાર કરતો થંભી ગયો છે. મનુષ્યજાતી એક મસ્તક જેટલી ઉણી થઈ ગઈ છે. એ મસ્તીષ્ક આપણા જમાનાનું સૌથી મહાન મસ્તક હતું. સજીવ પ્રકૃતીની ઉત્ક્રાંતીનો નીયમ જેવી રીતે ડાર્વીને શોધી કાઢ્યો, તેવી જ રીતે માર્ક્સે માનવ ઈતીહાસનો ઉત્ક્રાંતીમુલક સિંધ્ધાત શોધી કાઢ્યો છે. એક સીધી સાદી હકીકત જે અત્યાર સુધી વૈચારીક ઢગલાઓ હેઠળ દટાયેલી રહી હતી કે માણસો રાજકારણ, વીજ્ઞાન, કળા, ધર્મ કે એવી કોઈ બાબત પ્રત્યે ધ્યાન આપે તે પહેલાં તેમને ખાવાને ખોરાક, પીવાને પાણી, પહેરવાને વસ્ત્રો અને માથે છાપરું આટલાં વાનાં તો હોવાં જ જોઈએ, એ હકીકત બહાર આણવાનું મહત્વનું કાર્ય આ ચીર નીદ્રામાં પોઢેલા મહાપુરુષે કર્યું છે.
આથી જીવન માટે અનીવાર્ય એવી ભૌતીક જરુરીયાતોનું ઉત્પાદન કરવું પડે, એ માટે આર્થીક વ્યવસ્થા ઉભી કરવી પડે, જેના પાયા પર ધર્મ, કળા, વિજ્ઞાન, કાયદો, રાજ્ય વગેરેની ઈમારતો રચાય. ઉપરાંત, આજના મુડીવાદના ગતીના નીયમો પણ તેમણે શોધી કાઢ્યા હતા. એટલું જ નહીં, એ જ્ઞાનને આધારે મુડીવાદને ઉથલાવી પાડી શ્રમજીવીઓની મુક્તી માટેના તેઓ એક અજંપ અને ઝુઝારુ લડવૈયા અને મહાન ક્રાંતીકાર હતા. આવા મહાન વીચારક અને લડવૈયાનું નામ અને કામ સદીઓ સુધી જીવતું રહેશે !











