નવસારી: આજરોજ નવસારી જિલ્લાના વણગામમાં દીપડાએ મોડી રાત્રે ભારે આંતક મચાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા એક પશુવાડામાં ત્રાટકીને દિપડાએ એક સાથે 10 બકરા બકરીઓનું મારણ કર્યું હતું. આ ઘટનાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

Decision News ને મળતી માહિતી મુજબ, વણગામના પશુપાલક સુરેશભાઈ જોગી આહિરના વાડામાં દીપડો ઘૂસી ગયો હતો. રાત્રિના અંધકારનો લાભ લઈ દીપડાએ વાડામાં બાંધેલા પશુઓ પર હુમલો કર્યો હતો. સવારે સુરેશભાઈએ વાડામાં જઈને જોયું ત્યારે 10 બકરા બકરીઓના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા, જેને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. વન વિભાગને જાણ કરાતા ફોરેસ્ટર ભાવિનભાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃત પશુઓનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકસાથે 10 પશુઓના મારણથી પશુપાલક સુરેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે. રહેણાંક વિસ્તારની નજીક દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. અને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here