વલસાડ: હોળીના પાવન પર્વ નિમિત્તે તીઘરા ગામના તળાવ ફળિયા ખાતે વર્ષોથી ચાલતી પરંપરાગત દાતણીયા દેવની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા દર વર્ષે હોળીના તહેવાર સાથે જોડાયેલી હોવાથી ગામજનોમાં અને આસપાસના વિસ્તારોમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે.
ગ્રામજનોની દૃઢ માન્યતા અનુસાર, દાતણીયા દેવ હજારો ભક્તોના દુઃખ-દર્દ દૂર કરીને સુખ-શાંતિ અર્પણ કરે છે. આ કારણે દર વર્ષે દર્શનાર્થે અનેક ભક્તો આવે છે અને આ પૂજા એક મહત્વનું સામાજિક-ધાર્મિક કાર્યક્રમ બની રહી છે. આ વર્ષે પૂજાનું સંપૂર્ણ આયોજન ગામના આગેવાનો અને ગ્રામજનોએ સંયુક્ત રીતે કર્યું હતું.
મુખ્ય આયોજકોમાં મુકેશભાઈ પટેલ, નરેશભાઈ (રેલવે પોલીસ), મયુર પટેલ, રવિ પટેલ, સવિતા પટેલ, સંજયભાઈ, કિરણભાઈ, ઉમેશભાઈ, જતીનભાઈ, કલ્પેશભાઈ, મિલનભાઈ, પ્રજ્ઞેશભાઈ, કાલુભાઈ, દીપકભાઈ, સંદીપભાઈ, ચિંતનભાઈ સહિત અનેક મહિલા-પુરુષોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ડો. નિરવ ભુલાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોના સંગઠન અને આગેવાનોના સમર્પિત પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે સમાજ અને દેશની સેવામાં હંમેશા અગ્રેસર રહેવાની શુભેચ્છા પાઠવી હતી. આ પરંપરા ગામની સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરે છે અને એકતા-ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.











