નવીન: આજના યુગમાં જ્યાં લોકો વૈભવ, મકાન અને કાર પાછળ દોડે છે, ત્યાં કર્ણાટકના એક સામાન્ય કર્મચારી એન્કે ગૌડાએ પોતાનું આખું જીવન જ્ઞાનને સમર્પિત કરી દીધું છે. પગારમાંથી આશરે 80 ટકા રકમ પુસ્તકો ખરીદવામાં ખર્ચીને તેમણે દેશનું સૌથી મોટું ખાનગી પુસ્તકાલય ઊભું કર્યું છે. તેમના આ અનોખા અને નિસ્વાર્થ કાર્ય બદલ કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
એન્કે ગૌડાના ઘરની હાલત જાણીને કોઈપણ અચંબિત થઈ જાય. ઘરમાં પુસ્તકો એટલા ભરાયેલા છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. સ્થિતિ એવી છે કે તેઓ પોતે જમીન પર સૂઈ જાય છે, પરંતુ પુસ્તકો માટે કોઈ સમજૂતી કરતા નથી. તેમના ઘરમાં લાખો પુસ્તકો છે-સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાનથી લઈને દુર્લભ સંદર્ભ પુસ્તકો સુધીનો વિશાળ ખજાનો.
ગૌડા માને છે કે, “પૈસા એક દિવસ ખૂટી જાય, પરંતુ જ્ઞાન ક્યારેય ખૂટતું નથી.” તેમનું પુસ્તકાલય માત્ર સંગ્રહ પૂરતું સીમિત નથી. તેઓ વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય લોકો માટે મફતમાં પુસ્તકો વાંચવા અને અભ્યાસ કરવાની તક આપે છે. અનેક યુવાનોને શિક્ષણ તરફ વાળવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.
સરકાર દ્વારા આપવામાં આવનાર પદ્મશ્રી સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ જ્ઞાન, પુસ્તકપ્રેમ અને ત્યાગની વિચારધારાનું સન્માન છે. એન્કે ગૌડાની જીવનગાથા આજની પેઢીને સંદેશ આપે છે કે સાચી સંપત્તિ મકાનમાં નહીં, પરંતુ મનમાં રહેલી સમજણમાં છે.











