માંડવી: વર્તમાન સમયમાં માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ગેરકાયદે રીતે ચાલતા ગોળના કોલાઓને કારણે હવા પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કોલામાંથી નીકળતા ઘાટા ધુમાડા અને દુર્ગંધયુક્ત વાયુઓને કારણે આસપાસના ગામોના રહેવાસીઓ શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા તથા ગળાની ત્રાસદાયક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાયો છે અને તેઓ તાલુકા વહીવટ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, આ કોલાઓ વર્ષોથી કોઈપણ પર્યાવરણીય પરવાનગી વિના ધમધમી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે કોલાઓમાંથી વધુ પ્રમાણમાં કાળો ધુમાડો નીકળતો હોવાથી આખા ગામોમાં એક પડદો જેવો ધુમાડો છવાઈ જાય છે, જેના કારણે વાતાવરણ અસહ્ય બની જાય છે. “આ ધુમાડાને કારણે અમારા બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ તકલીફ થાય છે. રાત્રે સૂવું પણ મુશ્કેલ બની જાય છે,”
ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા તાલુકા વહીવટને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આના કારણે લોકોમાં હતાશા અને રોષ વધી રહ્યો છે. “આ કોલાઓ ગેરકાયદે છે અને તેમને બંધ કરવા જોઈએ. અમારી આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કોણ કરશે?” આ પ્રદૂષણની સમસ્યા માંડવી તાલુકાના અનેક ગામોમાં ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક વાતાવરણ અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દો વધુ તીવ્ર બની શકે છે.











